Saurashtra Satya
ગુજરાત

સાળંગપુરમાં હનુમાન જયંતીની ધૂમ, ભાવિકોનું ધોડાપૂર

હનુમાન જયંતીએ સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિરે લાખો ભાવિકો ઉમટ્યા. મારૂતિ યજ્ઞ, 51,000 ફુગ્ગા, 251 કિલો કેક સાથે ભવ્ય ઉજવણી. સાંજે 54 ફૂટ પ્રતિમા ખાતે સમૂહ આરતી.

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આજે હનુમાન જયંતીના પવિત્ર પર્વે ભાવિકોનું ધોડાપૂર ઉમટ્યું હતું. શનિવાર અને હનુમાન જયંતીના અનોખા સંયોગને કારણે રાજ્ય સહિત દેશ-વિદેશમાંથી લાખો હરિભક્તો દર્શનાર્થે પહોંચ્યા. સાળંગપુર જતા તમામ રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી.

વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જામી હતી. મંદિરને ભવ્ય શણગાર અને રોશનીથી ઝળહળી ઉઠેલું જોવા મળ્યું. સંતો દ્વારા હનુમાનજી મહારાજની મંગળા આરતી સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યું. મંદિર ખાતે 1008 લોકો દ્વારા મારૂતિ યજ્ઞનું આયોજન કરાયું, જ્યારે 51,000 ફુગ્ગાઓ ઉછાળી ભાવિકોનું સ્વાગત કરવામાં આવ્યું. આ ઉપરાંત, 251 કિલોની વિશાળ કેક કાપી હનુમાન જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી.

સાંજે મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમા ખાતે હજારો દીવડાઓ પ્રગટાવી સમૂહ આરતીનું આયોજન કરાશે, જેમાં હજારો ભક્તો જોડાશે.

મંદિર દ્વારા ભાવિકો માટે દર્શન, ભોજન-પ્રસાદ, પાર્કિંગ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી ભક્તોને કોઈ અગવડ ન પડે.

મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીએ આ પાવન અવસરે ભાવિકોને આશીર્વાદ પાઠવ્યા અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું, “આજનો દિવસ ભક્તિ અને આસ્થાનો મહિમા દર્શાવે છે. હનુમાનજીના આશીર્વાદથી સૌનું કલ્યાણ થાઓ.”

આજના દિવસે સાળંગપુરનું વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે, અને ભાવિકોમાં દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More