Saurashtra Satya
ભારત

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર – હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે જાણ

ગુજરાત સરકારે લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬માં મોટા ફેરફાર કરવાની દરખાસ્ત વિધાનસભામાં રજૂ કરી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, યુવતીઓની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે આ કડક સુધારા લાવવામાં આવ્યા છે. હવે બોગસ દસ્તાવેજો કે માતા-પિતાની જાણ બહાર થતા લગ્નો પર લગામ લાગશે.

શું છે નવો નિયમ?

જો તમે પ્રેમ લગ્ન કરવા માંગો છો અને તેની નોંધણી (Registration) કરાવશો, તો હવે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે:
1  WhatsApp દ્વારા તત્કાલ જાણ: જેવી લગ્ન નોંધણીની અરજી કરવામાં આવશે, તે જ મિનિટે યુવતીના માતા-પિતાને વોટ્સએપ પર લગ્નની તમામ    વિગતો મોકલી દેવામાં આવશે.
2. માતા-પિતાના દસ્તાવેજો: હવે રજિસ્ટ્રેશનમાં માત્ર વર-વધૂ જ નહીં, પણ માતા-પિતાના આધાર કાર્ડ અને સાચા ફોન નંબર પણ આપવા ફરજિયાત    રહેશે.
3. સાક્ષીઓની કડક તપાસ: લગ્ન સમયે હાજર રહેલા સાક્ષીઓના ફોટા અને આધાર કાર્ડની નકલ પણ ફરજિયાત જમા કરાવવી પડશે.
4. 40  દિવસે મળશે સર્ટિફિકેટ: અરજી કર્યા બાદ તમામ ચકાસણી પૂર્ણ થયાના 40 માં દિવસે મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે.
5. વર-વધૂની હાજરી અનિવાર્ય: હવે કોઈ પણ વર-વધૂની ગેરહાજરીમાં લગ્ન નોંધી શકાશે નહીં. બંનેએ રૂબરૂ હાજર રહેવું પડશે.

વહીવટી સત્તામાં ફેરફાર

અત્યાર સુધી લગ્ન નોંધણીની સત્તા માત્ર તલાટી પાસે હતી, જેમાં હવે સુધારો કરાયો છે. તલાટી માત્ર અરજી સ્વીકારશે અને દસ્તાવેજોની ચકાસણી કરશે. લગ્ન નોંધણી મંજૂર કરવાની અંતિમ સત્તા હવે તાલુકા કક્ષાના ઉપરી અધિકારી પાસે રહેશે.  નોટરી કરનાર વકીલોએ પણ પક્ષકારોની હાજરીમાં જ સહી-સિક્કા કરવા પડશે, અન્યથા કડક કાર્યવાહી થશે.

સરકારનો મુખ્ય હેતુ: દીકરીઓની સુરક્ષા

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે: “અમને પ્રેમ સામે કોઈ વાંધો નથી, પરંતુ ખોટી ઓળખ આપીને (સલીમ સુરેશ બનીને) દીકરીઓને ફસાવનારા તત્વોને છોડવામાં નહીં આવે. લગ્ન પછી દહેજ કે મિલકત માટે જો કોઈ યુવતીને હેરાન કરવામાં આવશે તો ગુજરાત પોલીસ કડક પગલાં લેશે.”

ઓનલાઈન પોર્ટલની તૈયારી

સરકાર પ્રેમ લગ્નોની નોંધણી માટે એક અલગ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. આ પોર્ટલ દ્વારા સમગ્ર પ્રક્રિયા પારદર્શક બનશે અને અરજી ટ્રેક કરી શકાશે.
વાંધા-સૂચનો મંગાવાયા – હાલમાં આ નિયમો સૂચિત (Proposed) છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ સુધારા અંગે જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. ત્યાર બાદ જ આ નિયમોને અંતિમ સ્વરૂપ આપી અમલમાં મૂકવામાં આવશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More