કોઇ પણ સમયે આવો બનાવ બને તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરવા જણાવ્યું છે
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) સુરત વિભાગ, ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા (IPS), તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. પાટીલ દ્વારા સાયબર ફ્રોડ અટકાવવા માટે પોલીસને આરોપીઓ વિરૂદ્ધ જરૂરી કાર્યવાહી કરવાં સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે.
તેના આધારે આહવા પોલીસ સાયબર વિભાગ દ્વારા સાઇબર ફ્રોડ અંગે કાર્યવાહી કરવામાં આવેલ છે. આહવા મીનશપાડા ખાતે રહેતા ઓગષ્ટીન રજવાડેને વોટ્સએપ વીડીયો કોલ આવ્યો હતો, જે કોલ ઉપાડતા તેઓની સામેની બાજુમાં એક વ્યકિત પોલીસ યુનિફોર્મ અને અધિકારીની ચેમ્બર જેવી ઓફિસમાં બેસીને તેઓને મુંબઇ પોલીસના પોલીસ સબ ઇન્સપેકટર રાજીવ રંજન નામ આપી અને ‘‘તમારા મોબાઇલ નંબર તેમજ આઇડી પૃફના આધારે મુંબઇ ખાતે ચાર બેંક એકાઉન્ટ ખુલેલા છે.
તેમાં ગેરકાયદેસર ૨૦ કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર થયેલ છે અને આ કેસમાં પકડાયેલ આરોપી મહમદ ગુલામ મલેકે પણ તમારૂ નામ આપેલ છે અને તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલ છે જેથી તમે આ કોલને કાપી શકશો નહી, બીજા કોઇના કોલ ચાલુ કોલમાં રીસિવ કરી શકશો નહી તેમજ ભોગ બનનારને એક રૂમમાં બંધ થઇ જવા કહ્યું હતું અને ખોટી રીતે ડરાવી, ધમકાવીને બેંકની ડીટેઇલ માંગવા લાગેલ અને બે કલાક સુધી કોલ ચાલુ રાખતા તેમના પત્નીને શંકા જતા તેઓની વડોદરા રહેલી એડવોકેટ પુત્રી શોર્લેટબેનને આ સમગ્ર બનાવની જાણ કરતાં તેમણે નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને જાણ કરી હતી.
એસ.જી.પાટીલે આ સમગ્ર ધટના અંગે સાયબર પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ કર્મચારીઓને તુરંત ઓગષ્ટીન રજવાડેના ઘરે પહોંચી ગયાં હતાં. ત્યાં પોલીસ કર્મચારીઓએ રૂમ ખોલાવી વ્યક્તિને બહાર લાવી અને ફોન ડીસ્કનેકટ કરાવી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા હતા.
આહવા પોલીસ સાયબર વિભાગ જાહેર જનતાંને જણાવે છે કે, હકીકતમાં પોલીસ કોઇને વીડીયો કોલ કે ઓડીયો કોલના માધ્યમથી એરેસ્ટ કરતી નથી. પોલીસ અથવા કોઇ પણ એજન્સી હમેશા ફીઝિકલી એરેસ્ટ કરે છે. કોઇ પણ સમયે આવો બનાવ બને તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરવા જણાવ્યું છે.

