33.2 C
Rajkot
October 28, 2026
Saurashtra Satya
ગુજરાત

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર: 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી 21 દિવસની રજા

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વેકેશનને લઈને ઉત્સુકતાનો માહોલ હતો. આ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ દિવાળી વેકેશનની સત્તાવાર તારીખોની સૂચના આપી દીધી છે. વિભાગ દ્વારા ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ અંગેનો ખાસ પરિપત્ર જાહેર કરીને તમામ વિગતો સ્પષ્ટ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓને મળશે કુલ 21 દિવસનું વેકેશન

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના પરિપત્ર મુજબ, રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક સ્કૂલોમાં ૫ નવેમ્બર, ૨૦૨૬થી દિવાળી વેકેશનની શરૂઆત થશે અને તે ૨૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આમ, વિદ્યાર્થીઓને દિવાળીના તહેવાર દરમિયાન કુલ 21 દિવસની રજાઓ મળશે. રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોને આ સમયગાળા દરમિયાન રજા રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

26 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક સ્કૂલોમાં 26 નવેમ્બર, 2026 થી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. ૨૫ નવેમ્બરે વેકેશનનો છેલ્લો દિવસ રહેશે અને 26 નવેમ્બરથી વિદ્યાર્થીઓએ ફરી સ્કૂલે જવાનું રહેશે. આ સ્પષ્ટતાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ તહેવાર અને પ્રવાસનું આયોજન સરળતાથી કરી શકશે તેમજ સ્કૂલોને પણ નવા સત્રની તૈયારીનો સમય મળશે..

શિક્ષણ બોર્ડના કેલેન્ડરને આધારે નિર્ણય

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડરને ધ્યાનમાં રાખીને લેવાયો છે. કેલેન્ડરમાં દર્શાવેલી તારીખોના આધારે જ પ્રાથમિક સ્કૂલો માટે વેકેશન નક્કી કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક સ્કૂલોમાં વેકેશનની તારીખોમાં એકરૂપતા જળવાઈ રહે.

પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો વચ્ચે સંકલન

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વેકેશનની તારીખો એકસરખી રહે તે માટે ખાસ અગત્યની સૂચના આપવામાં આવી છે. પરિપત્ર અનુસાર, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ પરસ્પર સંકલન કરીને તારીખો જાહેર કરવાની રહેશે. આ વ્યવસ્થાથી એક જ પરિવારના જુદા જુદા ધોરણમાં ભણતા બાળકોના વેકેશનમાં તફાવત નહીં રહે.

અધ્યાપન મંદિરો અને કોલેજો માટે માર્ગદર્શિકા

નિયામક કચેરીના આ પરિપત્રમાં માત્ર પ્રાથમિક સ્કૂલો જ નહીં, પરંતુ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પી.ટી.સી. કોલેજો અને તેમના તાબા હેઠળની સ્કૂલોને પણ આ પરિપત્રની તારીખો અને બાબતો ધ્યાનમાં રાખીને જ પોતાનું શૈક્ષણિક આયોજન કરવા જણાવાયું છે.

અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષ માટે ખાસ નિયમ

દિવાળી વેકેશનના આ પરિપત્રમાં અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સૂચના સમાવવામાં આવી છે. NCTEના ધારાધોરણો મુજબ પ્રથમ વર્ષ માટે નક્કી કરેલા જરૂરી કાર્યદિવસો પૂરા કરવા ફરજિયાત છે. તેથી પ્રાથમિક સ્કૂલોમાં 25 નવેમ્બર સુધી વેકેશન રહેશે, પરંતુ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય 19 નવેમ્બર, 2026 થી જ ફરી શરૂ કરી દેવામાં આવશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More