ચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રિના ચોથા નોરતે એક દુઃખદ ઘટના બની હતી. માતાજીનાં દર્શન કરવા આવેલા અનિલ શંકર ભીલ નામના યુવકનું શોર્ટકટ માર્ગ પરથી પસાર થતી વખતે અંદાજે 1000 ફૂટ ઊંડી ખીણમાં પટકાતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોધરા SDRF અને હાલોલ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને ખીણમાંથી બહાર કાઢ્યો હતો.
શોર્ટકટ માર્ગ લેતાં સંતુલન ગુમાવ્યું
મૃતક અનિલ શંકર ભીલ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નિસરપૂર ગામનો વતની હતો અને હાલ વડોદરાના વાઘોડિયામાં રહેતો હતો. તે અન્ય ત્રણ લોકો અને બે નાનાં બાળકો સાથે ભદ્રકાળી મંદિર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન શોર્ટકટ માર્ગ પરથી પસાર થતી વખતે અચાનક સંતુલન ગુમાવતાં તે ઊંડી ખીણમાં પટકાયો હતો, જેના કારણે સાથે આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત
અંદાજે 1000 ફૂટ ઊંડી ખીણમાં પટકાવાને કારણે અનિલ ભીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ધાર્મિક યાત્રા દરમિયાન બનેલી આ કરુણ ઘટનાથી મૃતકના પરિવારજનો અને સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

