ગુજરાતના 11 જિલ્લામાં 35,000 ચો.કિમી. વિસ્તારમાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી 10-13 મે, 2025 દરમિયાન થશે. આધુનિક ટેકનોલોજી અને 3,000 સ્વયંસેવકો જોડાશે.
ગુજરાતના ગીર અભયારણ્યમાં વસતા એશિયાઈ સિંહોની 16મી વસ્તી ગણતરી 2025ના મે મહિનામાં યોજાવા જઈ રહી છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા આ ગણતરી 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રાથમિક ગણતરી 10-11 મે અને અંતિમ ગણતરી 12-13 મે દરમિયાન થશે. આ કામગીરી રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાઓમાં ફેલાયેલા 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.
આ ગણતરીમાં લગભગ 3,000 તાલીમ પામેલા સ્વયંસેવકો, રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ જોડાશે. સિંહોની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિહ્નો, જી.પી.એસ. લોકેશન અને ગૃપ કંપોઝીશન જેવી વિગતો નોંધવામાં આવશે. આ કાર્ય માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેર જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે, જે ચોકસાઈ અને કાર્યક્ષમતા વધારશે.
ગુજરાતમાં સિંહ વસ્તી ગણતરીનો ઇતિહાસ 1936થી શરૂ થાય છે. દર પાંચ વર્ષે યોજાતી આ ગણતરીએ એશિયાઈ સિંહોની સંખ્યામાં સતત વધારો દર્શાવ્યો છે. 2020ની ગણતરી અનુસાર, રાજ્યમાં 674 સિંહો નોંધાયા હતા, જે 2015ના 523ની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે.
રાજ્ય સરકારે સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીઓની સ્થાપના, વન્ય પ્રાણી મિત્રોની નિમણૂક, નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પો અને ગીરની વનસ્પતિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિની દેખરેખ જેવા પગલાં લીધાં છે. આ પ્રયાસોને કારણે સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘મેક ઈન ઈન્ડિયા’ લોગોમાં એશિયાઈ સિંહને સ્થાન આપવામાં આવ્યું છે, જે ગુજરાતના આ ગૌરવને વૈશ્વિક સ્તરે રજૂ કરે છે. વન વિભાગે સિંહો માટે વૈકલ્પિક આશ્રયસ્થાન તરીકે બરડા અભયારણ્યનો વિકાસ શરૂ કર્યો છે, જે સિંહોના નિવાસસ્થાનને વિસ્તારવાનો પ્રયાસ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગના આ સતત પ્રયાસો એશિયાઈ સિંહોના સંરક્ષણ અને વસ્તી વધારામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે

