Saurashtra Satya
ભારત

જામનગર–દ્વારકામાં PGVCLની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ: 10,632 જોડાણોમાં ₹8.08 કરોડથી વધુ બાકી

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા આજે 25 ફેબ્રુઆરીએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અગાઉથી તમામ ગ્રાહકોને બાકી રકમ તાત્કાલિક ચૂકવવા માટે સૂચના આપવામાં આવી હતી, છતાં બાકી રકમ નહીં ભરનારાઓ સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જામનગર જિલ્લામાં 7,419 વીજ જોડાણોમાં કુલ 596.72 લાખની બાકી લેણી નોંધાઈ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3,213 જોડાણોમાં 211.97 લાખ બાકી છે. આ રીતે બંને જિલ્લામાં મળી કુલ 10,632 વીજ જોડાણોમાં 808.29 લાખ (₹8.08 કરોડથી વધુ) રકમ બાકી હોવાનું સામે આવ્યું છે.

આ વિશેષ અભિયાન અંતર્ગત બંને જિલ્લાના વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓના સ્ટાફની 378 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. જામનગર જિલ્લામાં 267 ટીમો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 111 ટીમો ફાળવવામાં આવી છે.

પીજીવીસીએલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ડ્રાઈવ દરમિયાન ફક્ત બાકીદારોના વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરાશે, રિકવરી પ્રક્રિયા અલગથી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે તમામ ટીમો પોતાના વિસ્તારમાં બાકીદારો સામે કડક પગલાં લઈ નિયમ મુજબ વીજ જોડાણ કાપવાની કામગીરી પૂર્ણ કરશે.

વીજ ગ્રાહકોને સમયસર બિલ ભરવાની અપીલ સાથે તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાકી લેણી મામલે હવે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More