શહેરની જીવાદોરી સમાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ના કાફલામાં શુક્રવારે 28 નવી અત્યાધુનિક ઇલેક્ટ્રિક એસી બસોનો ઉમેરો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ અમદાવાદ ગ્રીન મોબિલિટી અને મુસાફરોની સુરક્ષામાં દેશનું અગ્રેસર શહેર બન્યું છે.
સુરક્ષાના ક્ષેત્રમાં ભારતનો પ્રથમ પ્રયોગ
આ બસો માત્ર આરામદાયક જ નથી, પણ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અભૂતપૂર્વ છે. દેશમાં પ્રથમ વખત જાહેર પરિવહનની બસોમાં નીચે મુજબની ટેકનોલોજીનો ઉપયોગ થયો છે:
સાયબર સિક્યુરિટી અને સેફ્ટી ઓડિટ: ડિજિટલ યુગમાં બસની સિસ્ટમ હેક ન થાય અને મુસાફરોનો ડેટા સુરક્ષિત રહે તે માટે વિશેષ સાયબર સુરક્ષા કવચ અને ઓડિટ પ્રક્રિયા અમલી બનાવવામાં આવી છે.
Fire Detection and Suppression System (FDSS): જો બેટરી કે એન્જિનના ભાગમાં આગની સામાન્ય ગંધ કે ધુમાડો પણ દેખાય, તો આ સિસ્ટમ આપમેળે સક્રિય થઈને આગને બુઝાવવા સક્ષમ છે.

AMTS launches electric buses
નવી બસોની મુખ્ય વિશેષતાઓ
પર્યાવરણલક્ષી: 225 બસોના કાફલાથી વાર્ષિક અંદાજે 75,૦૦૦ કિલોગ્રામ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.
શાંત મુસાફરી: ઇલેક્ટ્રિક હોવાથી અવાજ અને ધ્રુજારી વિનાની મુસાફરીનો અનુભવ મળશે.
સ્માર્ટ ફીચર્સ: બસોમાં 3 CCTV કેમેરા, SOS (પેનિક બટન), રીઅલ-ટાઇમ જીપીએસ ટ્રેકિંગ અને ઓટોમેટિક ડોર ક્લોઝિંગ સુવિધા છે.
પેડેસ્ટ્રિયન એલાર્મ: બસ 20 કિમીથી ઓછી ઝડપે હોય ત્યારે રાહદારીઓની જાણ માટે વિશેષ એલાર્મ સિસ્ટમ કામ કરશે.
મિશન 2027 : 100% ઇલેક્ટ્રિક અમદાવાદ
AMTS દ્વારા આગામી વર્ષ સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક અને CNG માં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય છે. માર્ચ 2026 સુધીમાં કુલ 225 નવી ઇ-બસો રસ્તા પર દોડતી થઈ જશે, જેનાથી ડીઝલ બસોનો યુગ સંપૂર્ણપણે સમાપ્ત થશે.
ઝડપી અમલીકરણ: આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે ટેન્ડરિંગથી લઈને બસની ડિલિવરી સુધીની તમામ પ્રક્રિયા રેકોર્ડબ્રેક છ મહિનામાં પૂર્ણ કરવામાં આવી છે.

