ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, પશ્ચિમી વિક્ષેપને કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો હજુ પણ 41 થી 42 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રભાવ યથાવત રહેશે.
આગામી 6 મે થી 12 મે દરમિયાન રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. આ સમયગાળામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, જે ગરમીથી રાહત તો આપશે પરંતુ ખેતીના પાક માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને હળવદ, મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં ઊંચા તાપમાન અને વરસાદી માહોલને કારણે ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર પડશે.
વરસાદી ઝાપટાં બાદ 8 મેથી ફરી એકવાર ગરમીનો પારો આસમાને પહોંચવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી અને ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી સુધી જઈ શકે છે. આ સાથે જ 11 મે થી 20 મે દરમિયાન રાજ્યમાં ભારે પવન અને આંધી-વંટોળનું પ્રમાણ વધશે, જે કાચા મકાનો અને ઊભા પાક માટે જોખમ ઊભું કરી શકે છે.
મે મહિનાના અંતમાં એટલે કે 23 મેની આસપાસ ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. જો રોહિણી નક્ષત્ર દરમિયાન સમયસર વરસાદ થાય, તો તે આગામી ચોમાસા માટે શુભ સંકેત માનવામાં આવે છે. આમ, મે મહિનો ગુજરાત માટે મિશ્ર હવામાન વાળો રહેશે, જેમાં ગરમી, વંટોળ અને કમોસમી વરસાદની ત્રિપુટી જોવા મળશે.

