આફ્રિકન દેશ નાઇજીરીયાના દક્ષિણ ભાગમાં, એક ટોળાએ કીડનેપર હોવાની શંકામાં 16 લોકોની ક્રૂરતાથી હત્યા કરી દીધી. શુક્રવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કેટલાક પીડિતોના ખભા અને માથા પર ટાયર મૂકીને આગ લગાવવામાં આવી હતી, જેના કારણે તેમનું પીડાદાયક મોત થયું હતું. આ ઘટનામાં માર્યા ગયેલા લોકો દેશના ઉત્તરીય ભાગના હતા અને તેમને એડો રાજ્યના ઉરોમી વિસ્તારમાં સ્થાનિક સુરક્ષા દળોએ અટકાવ્યા હતા. એડો પોલીસ પ્રવક્તા મોસેસ યામુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકની કારની તપાસ કરતી વખતે, અધિકારીઓને સ્થાનિક રીતે બનેલા હથિયારો મળી આવ્યા હતા અને તેના કારણે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં, પીડિતો પર ક્રૂરતા થતી જોવા મળી રહી છે અને પછી ઘસાઈ ગયેલા ટાયરોથી બનેલી આગમાં ફેંકી દેવામાં આવતા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે છેલ્લા દાયકામાં નાઇજીરીયામાં ટોળાની હિંસામાં વધારો થયો છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના 2024ના અહેવાલ મુજબ, દેશના દક્ષિણમાં થતા હુમલાઓ ઘણીવાર ચોરી અને મેલીવિદ્યાના આરોપો સાથે જોડાયેલા હોય છે, જ્યારે ઉત્તરમાં લિંચિંગ કથિત નિંદાના આરોપ સાથે થવાની શક્યતા વધુ હોય છે. 2022 માં, લાગોસ સ્થિત સંશોધન જૂથ SBM ઇન્ટેલિજન્સે જણાવ્યું હતું કે 2019 થી આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ઓછામાં ઓછા 391 લિંચિંગ થયા છે.

