પંજાબમાં ભીષણ પૂરને કારણે અત્યાર સુધીમાં ૩૦ લોકોના મોત થયા છે અને 2.56 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 1 ઓગસ્ટથી રાજ્યમાં પૂરને કારણે 30 લોકો મૃત્યુ પામ્યા છે અને 2.56 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારે તેને દાયકાઓમાં સૌથી ગંભીર કુદરતી આફત ગણાવી છે. રાજ્યમાં સતલજ, બિયાસ અને રાવી નદીઓના ઓવરફ્લો સાથે મોસમી નાળાઓમાં પાણીના સ્તરમાં વધારો થવાથી ઘણા જિલ્લાઓમાં ભારે વિનાશ થયો છે. 1300થી વધુ ગામડાઓ અને 96000 હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થયું છે. NDRF, સેના અને પોલીસ રાહત કાર્યમાં રોકાયેલા છે. હોશિયારપુરમાં પરિસ્થિતિ ગંભીર છે. સરકારે શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે અને મેડિકલ કેમ્પ દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
પંજાબમાં પૂર અને ભારે વરસાદે તબાહી મચાવી છે. ફાઝિલ્કા, ફિરોઝપુર, કપૂરથલા, પઠાણકોટ, તરનતારન, હોશિયારપુર, મોગા, ગુરદાસપુર અને બર્નાલા સહિત 9 જિલ્લાઓ સંપૂર્ણપણે પ્રભાવિત છે. સરકારી આંકડાઓ અનુસાર, 1312 ગામો પૂરની ઝપેટમાં છે. લુધિયાણામાં રસ્તાઓ અને શેરીઓ તળાવ બની ગયા છે, જ્યારે ગુરદાસપુરમાં NDRF ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અજનાલા, નાંગલા અને આનંદપુર સાહિબમાં પૂરને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે મંગળવારે પંજાબના ગુરદાસપુર, હોશિયારપુર, પઠાણકોટ, કપૂરથલા, નવાશહર, રૂપનગર, મોહાલી, ફતેહગઢ સાહિબ, પટિયાલા અને સંગરુર સહિત 10 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. રાજ્ય સરકાર મુજબ પઠાણકોટમાં સૌથી વધુ 6 લોકોના મોત નોંધાયા છે. અમૃતસર, બરનાલા, હોશિયારપુર, લુધિયાણા, માનસા અને રૂપનગરમાં 3-3 લોકોના મોત થયા છે. ભટિંડા, ગુરદાસપુર, પટિયાલા, મોહાલી અને સંગરુરમાં 1-1 લોકોના મોત નોંધાયા છે. પઠાણકોટમાં હજુ પણ ત્રણ લોકો ગુમ થયાના અહેવાલ છે.

