દેશમાં સૌથી વધુ 2,340 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત અદ્યતન ટેકનોલોજી, વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના આધારે દેશનું મુખ્ય શિપ બિલ્ડિંગ અને રિપેર હબ બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરેલી આ નવી નીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’, ભારત સરકારની SBFAS-2025 સ્કીમ અને મેરીટાઇમ વિઝન 2047ના લક્ષ્યાંકો સાથે સુસંગત છે. આ નીતિ હેઠળ શિપયાર્ડ્સનો વિકાસ, ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડ્સ, ક્ષમતાવર્ધન તથા શિપબિલ્ડિંગ ક્ષેત્રે R&D અને સ્ટાર્ટઅપ્સને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે.
ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક અને પોરબંદર ક્લસ્ટર
આ પોલિસીનું મુખ્ય આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપબિલ્ડિંગ પાર્ક (IMSP)નો વિકાસ છે, જે મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, લોજિસ્ટિક્સ, ટેસ્ટિંગ ફેસિલિટીઝ અને R&D કેન્દ્રોથી સજ્જ એક આધુનિક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવશે. આ ઉપરાંત, વડાપ્રધાનના નેતૃત્વમાં પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને મંજૂરી આપવામાં આવી છે, જ્યાં ૨ થી ૩ વિશ્વસ્તરીય શિપયાર્ડ્સ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટથી અંદાજે ₹૨૩,૭૦૦ કરોડનું વિશાળ ખાનગી રોકાણ આકર્ષિત થવાની શક્યતા છે.
રૂ. ૩૩૦૦ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી નાણાકીય સહાય
આ વિશાળ મેરીટાઇમ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે આશરે રૂ. ૩૩૦૦ કરોડના ખર્ચે સામાન્ય મરીન અને જમીન આધારિત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ માટે ભારત સરકારની Shipbuilding Development Scheme (SbDS) અને ગુજરાત સરકાર દ્વારા નાણાકીય સહાય અપાશે. આ સુવિધાઓમાં બ્રેકવોટર્સ, ડ્રેજિંગ, ફ્લોટિંગ ક્રેન્સ, નેવિગેશન ચેનલો, રસ્તા, વીજળી અને પાણી પુરવઠા જેવી સંયુક્ત સુવિધાઓનો સમાવેશ થાય છે, જેનાથી રોકાણકારોનો માળખાકીય ખર્ચ ઘટશે અને કામગીરી ઝડપી બનશે.
રોકાણકારો માટે પ્રોત્સાહનો અને સિંગલ વિન્ડો સિસ્ટમ
રોકાણ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે નવી નીતિ હેઠળ મૂડી સહાય (Capital Assistance), વ્યાજ સહાય, સ્ટેમ્પ ડ્યુટી રિફંડ, ડ્રેજિંગ સહાય, વીજળી અને પાણીના ચાર્જમાં સબસિડી તેમજ MSMEs પાસેથી ખરીદી પર વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવશે. વહેલો પ્રારંભ કરનારા (Early Bird) રોકાણકારો માટે પણ વિશેષ લાભો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, સરળ અને ઝડપી મંજૂરીઓ માટે ‘સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ’ અને સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ ઊભી કરવામાં આવશે.
‘વિકસિત ગુજરાત-2047’ તરફ એક મોટું કદમ
આ પોલિસી દ્વારા ગુજરાત પોતાની શિપબિલ્ડિંગ ક્ષમતા ૫૦ લાખ DWT (Dead Weight Tonnage) થી વધુ સુધી પહોંચાડશે, બે મેગા શિપબિલ્ડિંગ પાર્ક્સ સ્થાપશે અને ૫ લાખથી વધુ લોકોને તાલીમ આપીને રોજગારી માટે સક્ષમ બનાવશે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) દ્વારા આ પોલિસીની માર્ગદર્શિકા પણ તૈયાર કરી દેવામાં આવી છે. પોલિસી લોન્ચિંગ સમયે મુખ્ય સચિવ એમ.કે. દાસ, ડૉ. હસમુખ અઢિયા, એસ.એસ. રાઠૌર, સંજીવ કુમાર, હારિત શુક્લ અને ડૉ. અજય કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

