ગુજરાત સરકાર રાજ્યને વર્ષ 2047 સુધીમાં દેશના સૌથી આધુનિક અને વિકસિત રાજ્યોમાં સ્થાન અપાવવાના લક્ષ્ય સાથે સતત કામ કરી રહી છે. આ દિશામાં એક મોટી સિદ્ધિ મેળવતા રાજ્ય સરકારે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (HUDCO) સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. આ ઐતિહાસિક ભાગીદારી હેઠળ ગુજરાતના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ માટે રૂ.1 લાખ કરોડનું લાંબા ગાળાનું ફાઈનાન્સિંગ (નાણાકીય ભંડોળ) ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગરમાં થયા મહત્વના MoU
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને HUDCO વચ્ચે સત્તાવાર સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આ મજબૂત નાણાકીય માળખું ઊભું કરવામાં આવ્યું છે.
IIM અમદાવાદ સાથે શૈક્ષણિક સહયોગ અને પ્રોજેક્ટ મૂલ્યાંકન
આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારે માત્ર નાણાકીય જ નહીં, પરંતુ પ્રોજેક્ટ્સના બૌદ્ધિક અને વ્યવસ્થિત આયોજન માટે પણ મોટું કદમ ઉઠાવ્યું છે. સરકારે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ સાથે પણ એક અલગ MoU કર્યા છે. આ શૈક્ષણિક સહયોગ દ્વારા રાજ્યના આગામી મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું સચોટ આયોજન, અમલીકરણ અને યોગ્ય મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.
અમદાવાદ મેટ્રો, એક્સપ્રેસ-વે અને ધોલેરા જેવા મેગા પ્રોજેક્ટ્સને મળશે વેગ
HUDCO દ્વારા મળનારા રૂ.1 લાખ કરોડના આ વિશાળ ભંડોળનો ઉપયોગ રાજ્યના અનેક મહત્વાકાંક્ષી અને ગેમ-ચેન્જર પ્રોજેક્ટ્સ માટે થશે. જેમાં ખાસ કરીને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ-2 અને ફેઝ-3, નવા એક્સપ્રેસ-વેનું નિર્માણ, રમતગમત માટેનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ધોલેરા સર (SIR)માં વિશ્વસ્તરીય સુવિધાઓના વિકાસનો સમાવેશ થાય છે. આ રોકાણથી રાજ્યમાં શહેરીકરણને નવી ગતિ મળશે અને રોજગારીની લાખો તકો ઊભી થશે.

