ગુજરાત સરકારે રાજ્યના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યા નિવારણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નિર્ણય અંતર્ગત હવે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની માનસિક સુખાકારી માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવી ફરજિયાત બનાવવામાં આવી છે, જેથી માત્ર ગુણમૂલક જ નહીં પરંતુ તણાવમુક્ત અને સંતુલિત શિક્ષણ પૂરું પાડી શકાય.
માનસિક તણાવ સામે રક્ષણ આપવા શિક્ષણ વિભાગની પહેલ
આજના સ્પર્ધાત્મક યુગમાં પરીક્ષાઓનું દબાણ, સોશિયલ મીડિયાનો અતિરેક, ભવિષ્યની ચિંતા અને પરિવારની અપેક્ષાઓને કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ અને હતાશાનું પ્રમાણ વધ્યું છે. આ જ્વલંત સમસ્યાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ਚતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974 માં નવો વિનિયમ-16 (અ) ઉમેરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટ અને NCERTની માર્ગદર્શિકાનો અમલ
સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ માટે જાહેર કરાયેલી 15 બંધનકર્તા માર્ગદર્શિકાઓ અને 4 નિર્દેશોને ધ્યાનમાં રાખીને આ નીતિ ઘડવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયની સૂચનાઓ તેમજ NCERT દ્વારા તૈયાર કરાયેલ ‘UMMEED’ (સમજો, પ્રેરણા આપો, વ્યવસ્થા કરો, સહાનુભૂતિ આપો, સશક્ત બનાવો અને વિકાસ કરો) માર્ગદર્શિકાને પણ મુખ્ય આધાર તરીકે સ્વીકારવામાં આવી છે.
શાળાઓમાં ફરજિયાત ‘સ્કૂલ વેલનેસ ટીમ’ (SWT) ની રચના
બોર્ડમાં રજિસ્ટર્ડ ધોરણ 9 થી 12 ની દરેક શાળામાં વાર્ષિક ધોરણે ‘સ્કૂલ વેલનેસ ટીમ’ ની રચના કરવાનું અનિવાર્ય કરાયું છે. શાળાના આચાર્ય આ ટીમના લીડર રહેશે, જ્યારે કાઉન્સેલર અથવા શિક્ષક કો-ઓર્ડિનેટર રહેશે. આ ટીમમાં શિક્ષકો, SMC પ્રતિનિધિ, પીઅર મોનિટર (મનો-મિત્ર) અને બિન-શૈક્ષણિક કર્મચારીનો સમાવેશ થાય છે, જે કટોકટીની સ્થિતિમાં ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરશે.
ભાવનાત્મક સહારા માટે ‘મનો-મિત્ર’ ની નિયુક્તિ
UMMEED ગાઇડલાઇન મુજબ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ વચ્ચે ‘પીઅર સપોર્ટ’ ઊભો કરવા ‘મનો-મિત્ર’ ની નિમણૂક કરવામાં આવશે. આ મનો-મિત્ર વિદ્યાર્થીઓને પ્રાથમિક સ્તરે ભાવનાત્મક સહયોગ પૂરો પાડશે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન તરફ દોરી જશે અને સહપાઠીઓ વચ્ચે પરસ્પર સહકાર તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણ સુદૃઢ બનાવશે.
કાઉન્સેલરની નિમણૂક અને બાહ્ય આરોગ્ય સેવાઓનું જોડાણ
જે શાળાઓમાં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ છે ત્યાં બાળ અને કિશોરાવસ્થાના માનસિક સ્વાસ્થ્યની તાલીમ પામેલા લાયકાત ધરાવતા કાઉન્સેલર અથવા મનોવૈજ્ઞાનિકની નિયુક્તિ ફરજિયાત છે. જ્યારે 100 થી ઓછી સંખ્યાવાળી શાળાઓએ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અથવા ‘ટેલી-માનસ’ સેવાઓ સાથે ઔપચારિક રેફરલ જોડાણ પ્રસ્થાપિત કરવાનું રહેશે.
માર્ક્સના આધારે ભેદભાવ અને અપમાન પર સંપૂર્ણ પ્રતિબંધ
શાળા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓના ગુણ કે શૈક્ષણિક દેખાવના આધારે વર્ગખંડની અંદર કે બહાર કોઈપણ પ્રકારનું વિભાજન કે ભેદભાવ કરી શકાશે નહીં. વિદ્યાર્થીનું સાર્વજનિક અપમાન કે અન્ય સાથે સરખામણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી બાળકોમાં હીનભાવ કે અસુરક્ષાની લાગણી ન જન્મે અને તમામ પ્રત્યે સમાનતાનો અભિગમ અપનાવાય.
સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ગોપનીયતાની વિશેષ વ્યવસ્થા
વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહે તે માટે યોગ, ધ્યાન, સંગીત, રમતગમત, ખેલ મહાકુંભ અને સપ્તધારા જેવી પ્રવૃત્તિઓ નિયમિત યોજાશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ પોતાની મુશ્કેલીઓ નિર્ભીકપણે જણાવી શકે તે માટે હેલ્પ બોક્સ અને ચાઇલ્ડ હેલ્પલાઇન નંબરો પ્રદર્શિત કરાશે, સાથે જ વિદ્યાર્થીઓની વ્યક્તિગત માહિતી અને કાઉન્સેલિંગની ગોપનીયતા કડકપણે જાળવવામાં આવશે.
સ્ટાફની ફરજિયાત તાલીમ અને ગંભીર બેદરકારી સામે ‘સંસ્થાકીય દોષ’
શાળાના તમામ કર્મચારીઓએ વર્ષમાં ઓછામાં ઓછા બે વખત પ્રમાણિત વ્યાવસાયિકો પાસેથી માનસિક સ્વાસ્થ્ય અને સાઇકોલોજિકલ ફર્સ્ટ એઇડની તાલીમ લેવી પડશે. જો શાળાની ગંભીર બેદરકારી કે સમયસર કાર્યવાહી ન કરવાના કારણે વિદ્યાર્થીને આત્મહાનિ કે ગંભીર નુકસાન થાય, તો તેને ‘સંસ્થાકીય દોષ’ ગણીને સંબંધિતો સામે કાનૂની અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દેખરેખ સમિતિની રચના
આ સમગ્ર માર્ગદર્શિકાઓના અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ‘જિલ્લા-સ્તરીય દેખરેખ સમિતિ’ કાર્યરત રહેશે. આ સમિતિ શાળાઓમાં નિયમોના પાલનની સમીક્ષા કરશે, જરૂરી માર્ગદર્શન આપશે અને ફરિયાદો કે ગંભીર બનાવો પર નજર રાખીને સુધારાત્મક પગલાં સુનિશ્ચિત કરશે.

