ગોંડલ, BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર ગર્લ્સ સ્કૂલ ગોંડલ દ્વારા શનિવારના રોજ ભવ્ય પ્રેરણા કાર્નિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું. ગોંડલ અક્ષરમંદિર ના કોઠારી પૂ. દિવ્યપુરુષ સ્વામી, ગુરુકુળના નિયામક સંત પૂ. નિર્ભયજીવન સ્વામી અને પૂ. વિદતિલક સ્વામી દ્વારા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સૌ આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા. આ કાર્નિવલમાં વિદ્યાર્થીનીઓએ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને પ્રયોગશીલતા વિવિધ રીતે રજૂ કરી.

કાર્નિવલમાં ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, તેમજ ગુજરાતી–હિન્દી–અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓને વિવિધ સ્વરૂપોમાં આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમને વધુ જીવંત બનાવવા કોમર્સ વિભાગની વિદ્યાર્થીનીઓએ ફૂડ સ્ટોલ અને હસ્તકલા આધારિત વસ્તુઓના અનોખા સ્ટોલ તૈયાર કરી જે ભણી રહ્યા છે તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું.જેને સર્વે મુલાકાતીઓ તરફથી ખૂબ પ્રશંસા મળી.કુલ 2566 મુલાકાતીઓ એ મુલાકાત લીધી.

શાળાએ વિદ્યાર્થીનીઓને જ્ઞાન, કલા અને વ્યવહારુ અનુભવનું ઉત્તમ મંચ પૂરું પાડ્યું, જેના કારણે તેમનામાં આત્મવિશ્વાસ, સંકલનકુશળતા અને સર્જનાત્મકતામાં વધારો થયો. સમગ્ર કાર્યક્રમમાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહપૂર્ણ સહકાર મળ્યો.


