મંગળવારે બનેલી દર્દનાક આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરની ખૂબસૂરતીનો આનંદ માણવા આવેલા ભારતીય અને વિદેશી પર્યટકો પર આતંકવાદીઓએ નિર્મમ હુમલો કરી
મંગળવારે બનેલી દર્દનાક આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરની ખૂબસૂરતીનો આનંદ માણવા આવેલા ભારતીય અને વિદેશી પર્યટકો પર આતંકવાદીઓએ નિર્મમ હુમલો કરી, સીધો ગોળીબાર કરીને 26 લોકોની હત્યા કરી હતી. આ ઘટનાના વિરોધમાં પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે બજરંગ દળ દ્વારા તીવ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો.
બુધવારે સાંજે હાલોલના કંજરી રોડ ખાતે આવેલા હનુમાનજી મંદિર પાસે બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકત્ર થઈને આ ઘટનાને નિંદવી હતી. આતંકવાદીઓએ ધર્મના નામે નિર્દોષ લોકો પર ગોળીબાર કર્યો હોવાનું જણાવી, આવા કૃત્ય કરનારા દરેક આતંકવાદીને પકડીને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરવામાં આવી. આ દરમિયાન, બજરંગ દળે આતંકવાદનું પ્રતીકાત્મક પૂતળું દહન કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને ભારતીય સેના પર પૂર્ણ ભરોસો વ્યક્ત કરતાં જણાવ્યું કે, સેના આવા કૃત્ય કરનારાઓને કદાપિ બક્ષશે નહીં.
વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગ દળે ઘટનામાં મૃત્યુ પામેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. આ કાર્યક્રમમાં બજરંગ દળના દક્ષિણ ગુજરાત પ્રાંત સહ સંયોજક જલ્પેશ સુથાર, હાલોલ પ્રખંડ સંયોજક હકાભાઈ ગઢવી, પ્રખંડ સહસંયોજਕ રવિભાઈ સોલંકી, નગર સંયોજક નિમેષભાઈ ગરવાલ, સામાજિક આગેવાન વિનોદભાઈ વાળા, નીતિનભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઘટનાને લઈને ગુજરાત સહિત દેશભરમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ આ નિંદનીય કૃત્યની કડક શબ્દોમાં ટીકા કરી અને આતંકવાદ સામે એકજૂટ થઈને લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

