ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં વિસ્ફોટ થયો, જેના કારણે આગ લાગતાં સાતથી વધુ મજૂરોના મોતની આશંકા છે. 5 મજૂરો ગંભીર રીતે ઘાયલ છે અને સરકારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં સાત મજૂરોના મોતની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, ફટાકડા બનાવવા માટે વપરાતા દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આરસીસીથી બનેલું ગોડાઉન સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો. મજૂરો ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક થયેલા આ વિસ્ફોટમાં તેમના શરીરના અંગો પણ દૂર દૂર સુધી ફેંકાઈ ગયા હતા. બાજુના ખેતરોમાંથી માનવ માંસના ટૂકડા મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી, જ્યાં ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. જોકે, અત્યાર સુધીમાં સાત મજૂરોની લાશો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી છે, જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, નાયબ કલેકટર નેહાબેન પંચાલ, ડીવાયએસપી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલભાઈ બારોટ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલુ હોવાની સાથે મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે અને સુરક્ષા ધોરણોને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

