Saurashtra Satya
ગુજરાત

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ: વડોદરા 17 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં બેવડી ઋતુનો માહોલ

નવેમ્બર મહિનાના પ્રારંભ સાથે જ સમગ્ર ગુજરાતમાં હવામાન બદલાયું છે અને લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ખાસ કરીને વહેલી સવારે અને રાત્રિના સમયે વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી જાય છે. રાત્રિ દરમિયાન તાપમાનનો પારો ગગડતાં 6 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે, જેના કારણે શિયાળાની ઋતુની સત્તાવાર શરૂઆત થઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે

વડોદરા 17 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

શુક્રવારે રાત્રે નોંધાયેલા આંકડા મુજબ 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં નલિયા 17.2 ડિગ્રી, અમરેલી 17.8 ડિગ્રી, મહુવા 18.5 ડિગ્રી, રાજકોટ 18.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાન ગગડવાને કારણે આ તમામ વિસ્તારોમાં મોડી રાત્રે અને સવારે સારો એવો ઠંડીનો અનુભવ થયો હતો.

અમદાવાદમાં બેવડી ઋતુ: દિવસે તડકો અને રાત્રે ઠંડક

અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં હાલ નાગરિકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જે સામાન્ય કરતાં થોડું વધારે હોવાથી ગરમીનો અનુભવ થાય છે. બીજી તરફ રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન ઘટીને 20.2 ડિગ્રી થઈ જાય છે. આ રીતે દિવસે ગરમી અને રાત્રે ઠંડકના કારણે લોકોને એક જ દિવસમાં બે અલગ-અલગ ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More