ઉતર ગુજરાતમાં પણ ચાર દિવસ હિટવેવની આગાહી ,કચ્છ તેમજ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 9 એપ્રિલ સુધી હીટવેવ યથાવત રહેશે.ગઈકાલે કંડલા એરપોર્ટ ખાતે મહતમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું .
રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે કચ્છમાં હિટવેવનો રેડ એલર્ટ યથાવત રાખ્યો છે, જ્યારે ઉતર ગુજરાતમાં પણ ચાર દિવસ હિટવેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે. ત્યારબાદ બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. 10 એપ્રિલ સુધી તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે. કચ્છ તેમજ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 9 એપ્રિલ સુધી હીટવેવ યથાવત રહેશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, ગઈ કાલે કંડલા એરપોર્ટ ખાતે મહતમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સુરેન્દ્રનગર અને રાજકોટમાં 44 ડિગ્રી, અમરેલી, અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી, જ્યારે વડોદરા અને સુરતમાં અનુક્રમે 42 અને 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 11 એપ્રિલથી રાજ્યમાંથી હીટવેવ દૂર થાય તેવી શકયતા છે.
ખેતી નિયામકની કચેરીએ હીટવેવથી પાકના રક્ષણ સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ વહેલી સવારે અને સાંજના સમયે ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષોને માટી વડે આચ્છાદન કરવું. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું, પશુઓને છાંયડામાં રાખવાં તેમજ વારંવાર પાણી આપવું જેવા પગલાં આ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવ્યા છે.

