હવામાન વિભાગની આગાહી : હિટવેવને લઈને કચ્છમાં આજે રેડ એલર્ટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બે દિવસ બાદ તાપમાન ઘટશે, દક્ષિણ ગુજરાતમાં ભારે પવનોની માછીમારોને વોર્નિંગ
હવામાન વિભાગ દ્વારા આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 48 કલાકમાં રાજયના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મહત્તમ તાપમાનમાં 02 થી 04 ડીગ્રીનો ઘટાડો થશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર રિઝનમાં મહતમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 09 એપ્રિલ સુધી તેમજ ગુજરાત રિઝનમાં 10 એપ્રિલ સુધી હિટવેવ રહેવાની સંભાવના છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા પ્રેશર ગ્રેડિયન્સને લઈને ઉતર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માટે ભારે પવનની વોર્નિંગ આપવામાં આવી છે. ઉતર ગુજરાતમાં પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમ તરફ, દક્ષિણ ગુજરાતમાં પવનની દિશા ઉતર પશ્ચિમથી ઊતર તરફ અને રાજ્યના અંદરના ભાગમાં ઉતર પશ્ચિમથી ઊતર તરફની છે.
આજે હિટવેવને લઈને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મેહસાણા, સાબરકાંઠા, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. ગાંધીનગર, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવેલ છે. ભાવનગર અને દીવમાં ગરમ રાત્રિની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છ અને મોરબી ખાતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવેલ છે. 10 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવને પગલે યલો એલર્ટ આપવામાં આવેલ છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહતમ તાપમાન 43 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં કંડલા એરપોર્ટ ખાતે રાજ્યનું મહતમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અમરેલી અને રાજકોટમાં મહત્તમ તાપમાન 44 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને વડોદરા તેમજ સુરતમાં મહતમ તાપમાન 42 અને 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

