Saurashtra Satya
ભારત

ચૂંટણી પહેલા જ કેસરિયો: કડીમાં 28 અને ઊંઝામાં 22 બેઠકો પર ભાજપનો દબદબો, વિપક્ષના સૂપડા સાફ

મહેસાણા જિલ્લાની કડી અને ઊંઝા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી યોજાય તે પહેલા જ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. બંને પાલિકાઓમાં મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા પક્ષે મતદાન પૂર્વે જ સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી છે. આ વિજય સાથે ભાજપે જિલ્લાના રાજકારણમાં પોતાનું વર્ચસ્વ ફરી એકવાર સાબિત કર્યું છે, જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

કડી નગરપાલિકામાં ઐતિહાસિક રેકોર્ડ: 28 બેઠકો બિનહરીફ

કડી નગરપાલિકામાં ભાજપે ઈતિહાસ રચી દીધો છે, જ્યાં કુલ 36 બેઠકોમાંથી 28 બેઠકો પર પક્ષના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. ગુજરાતમાં 2/3 બહુમતી સાથે બિનહરીફ થનારી આ પ્રથમ નગરપાલિકા બની છે. હવે અહીં માત્ર લઘુમતી વિસ્તારના 2 વોર્ડની 8 બેઠકો પર જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ સફળતા બદલ સંગઠનને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શહેરના વિકાસ માટે અન્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે.
ઊંઝા પાલિકામાં પણ ભાજપનો દબદબો: 22 બેઠકો પર વિજય
ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો સપાટો જોવા મળ્યો છે. અહીં પાલિકાની કુલ 36 બેઠકો પૈકી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. મતદાન થાય તે પહેલા જ ભાજપે બહુમતીના આંકડાને પાર કરી લેતા સત્તા કબજે કરી લીધી છે. ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નાબેન પટેલ અને રિંકુબેન સહિતના અગ્રણી ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા પાલિકાના શાસનમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે…
વિકાસની રાજનીતિ અને કાર્યકરોમાં ઉત્સાહ
આ બિનહરીફ વિજયને ભાજપના નેતાઓ વિકાસની રાજનીતિની જીત ગણાવી રહ્યા છે. વિરોધ પક્ષો દ્વારા ઉમેદવારી પાછી ખેંચાતા અથવા પૂરતી ઉમેદવારી ન થતા ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો બન્યો છે. આ વિજય બાદ વિજેતા ઉમેદવારોનું ફુલહાર અને ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થવી એ આગામી ચૂંટણીઓ માટે ભાજપના મજબૂત સંગઠન અને રણનીતિનો સંકેત આપી રહી છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More