શિક્ષકના લાફાથી વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં ધોરણ-10ના વિદ્યાર્થીને શિક્ષકે જોરદાર લાફો મારતાં ગંભીર ઇજા પહોંચી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પરિવારના આક્ષેપ અનુસાર, આ હુમલાને કારણે વિદ્યાર્થીના ડાબા કાનનો પડદો ફાટી ગયો છે અને તેને સાંભળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ગંભીર ઘટનાને પગલે રોષે ભરાયેલા પરિવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે હવે શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગે પણ આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.”
પીટી પિરિયડ દરમિયાન બનેલી અચાનક ઘટના આ ઘટના પીટી (PT) ના પિરિયડ દરમિયાન બની હતી, જ્યારે ધોરણ-10નો આ વિદ્યાર્થી શાળાના મેદાનમાં અન્ય સહપાઠીઓ સાથે બેઠો હતો. એ દરમિયાન ત્યાં આવેલા એક શિક્ષકે અચાનક જ વિદ્યાર્થીને ઊભો કરીને મોઢા પર જોરદાર તમાચો ઝીંકી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, પરિવારના જણાવ્યા અનુસાર તે વિદ્યાર્થીનો તે શિક્ષક સાથે કોઈ સીધો શૈક્ષણિક સંબંધ કે અગાઉનો કોઈ વિવાદ પણ નહોતો, છતાં તેમની સાથે આવું અમાનવીય વર્તન કરવામાં આવ્યું.
હોસ્પિટલમાં સારવાર અને સર્જરીની શક્યતા ઘટના બાદ શાળા પ્રશાસન દ્વારા તાત્કાલિક બાળકના માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. પરિવાર બાળકને લઈને તુરંત જ કાન-નાક-ગળાના (ENT) નિષ્ણાત ડૉક્ટર પાસે દોડી ગયો હતો, જ્યાં તબીબી તપાસમાં ડાબા કાનના પડદાને ગંભીર નુકસાન થયું હોવાનું નિદાન થયું હતું. હાલ વિદ્યાર્થી ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે અને જો તેની સ્થિતિમાં આગામી સમયમાં સુધારો નહીં થાય, તો કાનની સર્જરી (ઓપરેશન) કરવી પડી શકે છે તેવી આશંકા ડૉક્ટરોએ વ્યક્ત કરી છે.

