29.3 C
Rajkot
October 3, 2026
Saurashtra Satya
ભારત

ગુજરાતમાં આજે ‘NO UPI DAY’: MDR ચાર્જના વિરોધમાં વેપારીઓ QR કોડ કાળા કપડાથી ઢાંકશે

2 ઓક્ટોબરના રોજ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના બજારોમાં ડિજિટલ પેમેન્ટ સેવાઓ પર મોટો ફેરફાર જોવા મળશે. MDR (Merchant Discount Rate) ચાર્જના વિરોધમાં રાજ્યના 600 થી વધુ વેપારી સંગઠનોએ આજે ‘NO UPI DAY’ પાળવાનો નિર્ણય લીધો છે. પરિણામે, દુકાનો અને બજારોમાં ગ્રાહકો માટે સ્કેન કરીને તરત પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં અને તેમણે ખરીદી માટે રોકડ કે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવો પડશે.

QR કોડને કાળા કપડાથી ઢાંકીને વિરોધ નોંધાવાશે

સાંકેતિક વિરોધ દર્શાવવા માટે વેપારીઓ પોતાની દુકાનો અને પ્રતિષ્ઠાનોમાં મૂકેલા UPI QR કોડ તેમજ અન્ય ડિજિટલ સ્કેનરને કાળા કપડાથી ઢાંકી દેશે. અમદાવાદ અને અન્ય શહેરોના વેપારી મંડળો દ્વારા તમામ વેપારીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યાં UPIથી રોજીંદા મોટા વ્યવહારો થાય છે, ત્યાં ગ્રાહકોને આજે રોકડ વગર મુશ્કેલી પડી શકે છે.

MDR ચાર્જ લાગુ કરવા સામે વેપારીઓનો અસંતોષ

 વેપારીઓનો વિરોધ ₹2,000 થી વધુના P2M (ગ્રાહકથી વેપારી) UPI વ્યવહારો પર 0.4 ટકા MDR ચાર્જ લાગુ કરવાના નિર્ણય સામે છે. આ ઉપરાંત, ₹75,000 થી વધુના વ્યવહારો માટે મહત્તમ ₹300 સુધીનો MDR નક્કી કરાયો છે. વેપારી સંગઠનોનું માનવું છે કે આ વધારાનો બોજ નાના અને મધ્યમ વેપારીઓના નફાના માર્જિન અને દૈનિક ખર્ચ પર પ્રતિકૂળ અસર પહોંચાડશે, જેથી સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા આ વિરોધ કરાઈ રહ્યો છે.

દૈનિક કરોડો રૂપિયાના વ્યવહારો પર અસર થશે

ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજિંદા વ્યવહારો માટે UPI અત્યંત લોકપ્રિય છે. એક દિવસ માટે UPI બંધ રાખવાના આ નિર્ણયથી રાજ્યભરમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર સીધી અસર પડશે. નોંધનીય છે કે દેશના અન્ય ભાગોમાં પણ વેપારીઓએ આ ‘No UPI Day’ને સમર્થન આપ્યું છે. આ એક દિવસીય વિરોધ પ્રદર્શન બાદ વેપારીઓ આગળની રણનીતિ નક્કી કરશે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More