ગુજરાતમાં રહેતા અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કાયદા વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત હાઈકોર્ટ ખાતે કાયદા અધિકારીની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ લાયક ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતીમાં પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે.
જગ્યાઓ, નિમણૂક સમયગાળો અને વય મર્યાદાની વિગતો
આ ભરતી અંતર્ગત કાયદા અધિકારીની કુલ 5 જગ્યાઓ ભરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક ગુજરાત હાઈકોર્ટ ખાતે કરવામાં આવશે. આ નિમણૂક 11 માસ માટે તદ્દન કરાર આધારીત રહેશે. ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ઓફલાઈન રાખવામાં આવી છે અને ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓગસ્ટ, 2026 નક્કી કરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત અને જરૂરી કૌશલ્ય
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પાસે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક (LLB) ની પદવી હોવી જરૂરી છે તેમજ કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. ઉમેદવાર પાસે CCC અથવા CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. ઉપરાંત ઉમેદવાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધાયેલા હોવા જોઈએ. ભરતી માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ ફરજિયાત રાખવામાં આવ્યું છે.
આકર્ષક પગાર ધોરણ
પગાર ધોરણ અંગે વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂ. 60,000 ફિક્સ પગાર આપવામાં આવશે. સરકારી ક્ષેત્રમાં કાયદા સાથે જોડાયેલા અનુભવી ઉમેદવારો માટે આ એક સારી તક માનવામાં આવી રહી છે.
અરજી પ્રક્રિયા, સરનામું અને સત્તાવાર વેબસાઈટ
ઉમેદવારે અરજી પત્રક સાથે ઉપસચિવશ્રી, કાયદા વિભાગ, ગુજરાત સરકારના નામનો રૂ.100 નો નોન-રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલું અરજી પત્રક અને જરૂરી પ્રમાણપત્રોની નકલ 19 ઓગસ્ટ, 2026 ના રોજ સાંજે 6:10 વાગ્યા સુધી રૂબરૂ, આર.પી.એ.ડી. અથવા કુરિયર દ્વારા ઉપસચિવ, કાયદા વિભાગ, બ્લોક નં. 4/1, પ્રથમ માળ, સરદાર ભવન, ગાંધીનગરના સરનામે પહોંચે તે રીતે મોકલવાની રહેશે. અરજી મોકલતી વખતે કવરના ઉપર મોટા અક્ષરે “જાહેરાત ક્રમાંક: 1/2026-27 અન્વયેની અરજી” લખવાનું રહેશે. અરજી પત્રકનો નમૂનો અને વિગતવાર માહિતી કાયદા વિભાગની સત્તાવાર વેબસાઈટ https://legal.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.

